Introduction
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફીકકલા અને છબીકલા જેવી દ્રશ્ય લલિતકલાઓના પ્રસાર અને વિકાસ માટે અગત્યની પ્રવૃત્તિઓ હાથ ધરે છે. રાજ્યની કલા અને કલાકારોનો પરિચય સામાન્ય જનસમુદાયને મળે અને રાજ્યના કલાકારોને પ્રોત્સાહન મળે તથા ભાવિપેઢીમાં કલા પ્રત્યે રૂચી વધે અને તેમને આ ક્ષેત્રે વિકાસની પ્રેરણા મળે તે માટે અકાદમી ઈ.સ. ૧૯૬૧ થી કાર્યરત છે.
યુવક,સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગના તા.૧૬/૧૦/૧૯૯૨ ના ઠરાવ ક્રમાંક:લકઅ/૧૦૯૧/૪૦૨/અ થી ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીને સ્વાયતત્તા આપવા માટે ગુજરાત લલિતકલા અકાદમીને સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ ૧૮૬૦ અને બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ ૧૯૫૦ હેઠળ સ્વાયત્ત સોસાયટી તરીકે નોંધણી કરવા ઠરાવવામાં આવેલ. જે અન્વયે તા.૨૪/૦૬/૧૯૯૩ નારોજ સાર્વજનિક ટ્રસ્ટને સને ૧૯૫૦ના મુંબઈના સાર્વજનિક ટ્રસ્ટો બાબતના (સને ૧૯૫૦ના મુંબઈના ૨૯મા) અધિનિયમ અન્વયે અમદાવાદ ખાતેની સાર્વજનિક ટ્રસ્ટ નોંધણી કચેરીમાં લલિતકલા અકાદમીની નોંધણી કરવામાં આવી જેનો નોંધણી ક્રમાંક:- ૫૭૮૯ છે.
સને ૧૯૯૪-૯૫ થી અત્યાર સુધીમાં લલિતકલા અકાદમીને રૂ.૧,૦૬,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા એક કરોડ છ લાખ પુરા/-) કોર્પસ ફંડ તરીકે મળેલ છે. જેમાંથી દર વર્ષે રાજ્યકલા સ્પર્ધામાં ઈનામ વિજેતા થયેલ કલાસંસ્થાના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તેમજ ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફિકકલા અને ફોટોગ્રાફી જેવા લલિતકલાના ક્ષેત્રોમાં અકાદમી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા કલાકારોને પ્રોત્સાહન આપતી રહે છે. જે પ્રવૃત્તિઓની વિગતો અકાદમીની વેબસાઈટ પરથી મેળવી શકાશે.