Activities
નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધા/પ્રદર્શન
ગુજરાત રાજય લલિતકલા અકાદમી દ્વારા સતત ૨૨ વર્ષથી નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત દૈનિકપત્રમાં જાહેર ખબર આપીને દેશભરના વિવિધ ક્ષેત્રમાં કામ કરતા ફોટોગ્રાફરો પાસેથી નિયત કરેલા હેતુઓ તથા વિષયો અંગે બ્લેક એન્ડ વ્હાઇટ તથા રંગીન એમ બે વિભાગમાં ફોટોગ્રાફ મંગાવવામાં આવે છે. તથા આ ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા આ ફોટોગ્રાફ્સનું જજીંગ કરાવવામાં આવે છે. સ્પર્ધામાં ઇનામ વિજેતા તથા પ્રદર્શન પાત્ર ફોટોગ્રાફ્સનું પ્રદર્શન પાંચથી સાત દિવસ માટે રવિશંકર રાવળકલા ભવન, અમદાવાદ ખાતે આવેલ આર્ટ ગેલેરીમાં યોજવામાં આવે છે. અને કલર તથા બ્લેક એન્ડ વ્હાઇટ બંને સેકશનમાં આઠ-આઠ ઇનામો આપવામાં આવે છે. જેમાં પ્રથમ ઇનામ રૂા.૧૦,૦૦૦/-નું, બીજુ ઇનામ રૂા.૭,૦૦૦/-નું તથા ત્રીજુ ઇનામ રૂા.૫,૦૦૦/-નું અને પાંચ ઈનામ રૂા.૧,૦૦૦/-ના આશ્વાસન ઇનામો તરીકે આપવામાં આવે છે. આમ કુલ રૂા.૫૪,૦૦૦/-(અંકે રૂપિયા ચોપ્પન હજાર પુરા/-)ના ઇનામો કલર અને બ્લેક એન્ડ વ્હાઈટ વિભાગમાં આપવામાં આવે છે. તથા સ્પર્ધાની યાદગીરી રૂપે ઈનામ વિજેતા કલાકારો તથા પ્રદર્શન માટે પસંદગી પામેલ કલાકારોનું એક કેટલોગ પણ પ્રકાશિત કરવામાં આવે છે. તથા ઈનામ વિજેતા કલાકારોને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
શિલ્પકલાનો વર્કશોપ
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા શિલ્પકલા ક્ષેત્રે આધુનિક કલાકૃતિઓ તૈયાર કરવા તથા શિલ્પકલા ક્ષેત્રમાં કામ કરતા કલાકારોને નવસર્જન કરવાની તક મળે તે માટે રાજયમાં સુવિધાયુકત સ્થળે શિલ્પકલા વર્કશોપનું આયોજન કરવામાં આવે છે અને તૈયાર થયેલ કૃત્તિઓનું પ્રદર્શન રવિશંકર રાવળકલા ભવન ખાતે આવેલ આર્ટગેલેરીમાં પાંચ થી સાત દિવસ માટે યોજવામાં આવે છે. આ વર્કશોપ માટે કલાકારોની પસંદગી માટે જે કલાકારને રાજયકલા સ્પર્ધામાં કલાકાર શ્રેણીમાં શિલ્પકલા વિભાગમાં ઇનામ મળેલ હોય તેવા કલાકારોને આમંત્રણ આપવામાં આવે છે. શિલ્પકલા ના વિવિધ માધ્યમો જેવાકે પત્થર, લાકડું, સ્ક્રેપ, સ્ટીલ, ટેરાકોટા અને ફાઇબર જેવા માધ્યમમાં પ્રતિ વર્ષ એક-એક માધ્યમમાં આ વર્કશોપ યોજવામાં આવે છે. અને ભાગ લીધેલ કલાકારોને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
આ ઉપરાંત શિલ્પકલા વર્કશોપ માટેની સાધન સામગ્રી, જેવીકે ધાતુ, પત્થર, માટી, સ્ક્રેપ, ફાઈબર, હાર્ડવેર વગેરે તેમજ કલાકારોને રહેવા-જમવાની સુવિધા, પ્રવાસ ખર્ચ, પુરસ્કાર(માનદ વેતન) જેવી સુવિધાઓ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પુરી પાડવામાં આવે છે.
ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ
ગુજરાતના વિવિધ જિલ્લાઓના બાળકોની રૂચી વિકસે અને તેઓને ચિત્રકલાના વિવિધ માધ્યમોની જાણકારી મળે તે હેતુને ધ્યાને લઇને લલિતકલા અકાદમી દ્વારા રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં પ્રતિ વર્ષ દસેક જેટલા ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં ૬ થી ૧૪ વર્ષની વય જુથના બાળકો માટે ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. આ વર્કશોપમાં ૧૦૦ જેટલા બાળકોનો સમાવેશ કરવામાં આવે છે. તથા આ બાળકોને વર્કશોપમાં વિષય નિષ્ણાત દ્વારા ચિત્રકલાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવે છે. આ વર્કશોપ દરરોજના બે કલાક માટે પાંચથી સાત દિવસ માટે યોજવામાં આવે છે.
વર્કશોપ માટે આવેલ બાળકોને ચિત્રકામ માટે જરૂરી સાધનો જેવાકે ડ્રોઇંગ પેન્સિલ, રબર તથા કલરબોક્ષ વગેરે સામગ્રી લલિતકલા અકાદમી દ્વારા આપવામાં આવે છે. તથા ભાગ લીધેલ બાળકોને પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે.
યુથ આર્ટીસ્ટ શિબિર
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજયની વિવિધ કલાસંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જુદી-જુદી કલાની વિવિધ જાણકારી મળે તે માટે…
(1)લેન્ડસ્કેપ શિબિર (2) સ્કેચિંગ શિબિર (3) ડ્રોઈંગ એંન્ડ પેઈંન્ટિગ શિબિર (4) પોર્ટ્રેટ શિબિર (5) ફોટોગ્રાફી શિબિર એમ પાંચ શિબિરોનું આયોજન ગુજરાતના જુદા-જુદા પ્રાકૃત્તિક સ્થળે પાંચથી સાત દિવસ માટે યોજવામાં આવે છે. રાજ્યની વિવિધ કલાસંસ્થાઓના આચાર્યશ્રીની ભલામણથી શિબિરાર્થીઓ શિબિરમાં ભાગ લે છે. પ્રત્યેક શિબિરમાં ૫૦ જેટલા શિબિરાર્થીનો સમાવેશ કરી જે તે ક્ષેત્રના નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ શિબિરાર્થીઓને કલાની જાણકારી તથા જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે. તથા શિબિરમાં ભાગ લીધેલ શિબિરાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આ શિબિરોમાં નિષ્ણાત તથા શિબિરાર્થીઓને રહેવા-જમવાની વ્યવસ્થા, કલાની તમામ સાધન-સામગ્રી, પ્રવાસ ખર્ચ વગેરેની વ્યવસ્થા અકાદમી દ્વારા કરવામાં આવે છે.
કોન્ટેમ્પરરી આર્ટીસ્ટ કેમ્પ (સમકાલીન કલાકારો માટે શિબિર)
ગુજરાત રાજય લલિત કલા અકાદમી દ્વારા યોજવામાં આવતી રાજયકલા સ્પર્ધામાં કલાકાર શ્રેણીમાં, ડ્રોઇંગ એન્ડ પેઇન્ટીંગ વિભાગમાં ઈનામ વિજેતા થયેલ કલાકારોને રાજ્યના કોઇ એક સ્થળે એકત્રિત કરી આ શિબિર યોજવામાં આવે છે.
આ શિબિરમાં ૨૦ કલાકારોને તેઓની કૃત્તિઓ તૈયાર કરવા માટે આર્ટ મટિરીયલ્સ જેવું કે કેનવાસ તથા કલર અને અન્ય સામગ્રી અકાદમી દ્વારા આપવામાં આવે છે. પ્રત્યેક કલાકારે બે ચિત્ર તૈયાર કરવાના હોય છે. જે પૈકી એક ચિત્ર અકાદમી રાખે છે. અને એક ચિત્ર કલાકારને પરત આપવામાં આવે છે. આ શિબિર માટે કલાકારને શિબિરના સ્થળે આવવા-જવાનો ખર્ચ તથા નિવાસ-ભોજનની વ્યવસ્થા અકાદમી દ્વારા કરવામાં આવે છે. આ ઉપરાંત દસ સિનિયર કલાકારને પ્રત્યેકને રૂા.૧૫,૦૦૦/-નો તથા દસ જુનિયર કલાકાર પ્રત્યેકને રૂા.૫,૦૦૦/-નો પુરસ્કાર અકાદમી દ્વારા આપવામાં આવે છે. રાજ્યકલા પ્રદર્શનમાં કલાકાર શ્રેણીમાં, ડ્રોઈંગ એન્ડ પેઈન્ટીંગ વિભાગમાં પ્રથમ વાર વિજેતા થયેલ કલાકારને આ શિબિરમાં જુનિયર કલાકાર તરીકે આમંત્રણ આપવામાં આવે છે. અને રૂ।.૫,૦૦૦/- નો પુરસ્કાર આપવામાં આવે છે. ત્યારબાદ ત્રણથી ચાર વર્ષ પછી આજ કલાકારને સિનિયર કલાકાર તરીકે આ શિબિરમાં આમંત્રણ આપવામાં આવે છે. અને રૂ।.૧૫,૦૦૦/- નો પુરસ્કાર આપવામાં આવે છે. આમ એક કલાકારને આ શિબિરમાં બે વાર ભાગ લેવાની તક મળે છે. આ શિબિરમાં તૈયાર થયેલ કૃત્તિઓનું પ્રદર્શન રવિશંકર રાવળ કલાભવન ખાતે આવેલ આર્ટ ગેલેરીમાં યોજવામાં આવે છે. તથા શિબિરની યાદગીરી રૂપે ભાગ લેનાર કલાકારોનું એક કેટલોગ પણ પ્રકાશિત કરવામાં આવે છે. અને તેમને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
જુનિયર / સિનિયર ફેલોશીપ
કલાના ક્ષેત્રમાં પ્રયોગાત્મક અભિગમ વિકસાવવા માટે અથવા કલાના કોઈ એક ક્ષેત્રમાં એડવાન્સ ટ્રેનીંગ માટે અથવા લુપ્ત થતી ભારતીય કલા કે લોકકલાને પુન:જીવીત કરવા માટેના પ્રોજેક્ટ માટે અથવા આવા પ્રકારની કલાના વિવિધ ક્ષેત્રોમાં સંશોધન કાર્ય માટે ગુજરાતના યુવાન અને સિનિયર કલાકારોને ફેલોશીપ દ્વારા નાણાકીય સહાય કરી તેમની કલાના ક્ષેત્રની કારકીર્દીને વિકસાવીને ગુજરાતના કલાકારો અને ગુજરાતની કલા દેશમાં મોખરે રહે તે માટેની આ યોજના છે.
આ યોજનામાં ૫ સિનિયર કલાકારોને માસિક રૂ.૩૦૦૦/- અને ૧૦ જુનિયર કલાકારોને માસિક રૂ.૨૦૦૦/- લેખે એક વર્ષ સુધી સહાયની રકમ આપવામાં આવે છે. ફેલોશીપ આપવા માટે કલાકારોની પસંદગી લલિતકલા અકાદમી નિયુક્ત નિષ્ણાંત કલાકારોની સમિતિ દ્વારા કરવામાં આવશે.
આ યોજના હેઠળ ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફીકકલાના ક્ષેત્રના રાજયના સિનિયર અને જુનિયર કલાકારોને નાણાકીય સહાય આપવાની આ યોજના છે. આ માટે કલાકારે નિયતનમુનામાં અરજીપત્રકની સાથે પોતાની કલાના ક્ષેત્રની શૈક્ષણિક લાયકાતો, આ અંગેનો પ્રોજેક્ટ રીપોર્ટ, તેમની આ ક્ષેત્રની કામગીરીના આધારરૂપ ફોટોગ્રાફ અથવા રંગીન સ્લાઈડ જેવી વિગતો આપવાની રહે છે.
કલાકારને જે માસથી ફેલોશીપ મંજુર કરવામાં આવે તે માસથી પુરા થતા નાણાકીય વર્ષ સુધીના સમય માટે ફેલોશીપની રકમ ચુકવવામાં આવશે. અને કલાકારની કામગીરી પ્રોત્સાહન જનક જણાય તો અકાદમીની સમિતિના નિર્ણયને આધારે આ ફેલોશીપ વધુમાં વધુ બે વર્ષ સુધી આપી શકાશે.
એવોર્ડ ઓફ ફેલોશીપ ટુ મોસ્ટ એમિનન્ટ આર્ટીસ્ટ
પ્લાસ્ટીક આર્ટ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતાથી ઉચ્ચકક્ષાએ પોતાના ક્ષેત્રમાં સિધ્ધીઓ હાંસલ કરી હોય અને રાષ્ટ્રીય સ્તરે નામના પ્રાપ્ત કરી પોતાની આગવી ઓળખ ઉભી કરી હોય તેવા ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરે પહોંચેલ અને કલાનાક્ષેત્રના વ્યવસાયમાંથી નિવૃત થયેલ નામી કલાકારોને જરૂરી સાધનો ખરીદી શકે અને કલાના વિષય માટે પોતાનું શ્રેષ્ઠ પ્રદાન કરી શકે તે માટે આ ફેલોશીપ આપવામાં આવે છે.
આ યોજનામાં ૧૦ કલાકારોને માસિક રૂ।. ૫૦૦૦/- ની ફેલોશીપ ૧ વર્ષ માટે આપવામાં આવે છે. આ ફેલોશીપ દ્રશ્યકલાના ક્ષેત્ર જેવા કે ચિત્રકલા, શિલ્પકલા અને ગ્રાફિકકલાના કલાકારોને આ ફેલોશીપ આપવામાં આવે છે. આ માટે કલાકારે નિયતનમુનામાં અરજીપત્રકની સાથે કલાના ક્ષેત્રમાં કારકીર્દી અંગેની પૂર્ણ વિગતો, તેમની આ ક્ષેત્રની કામગીરીના આધારરૂપ ફોટોગ્રાફ અથવા રંગીન સ્લાઈડ જેવી વિગતો આપવાની રહે છે.
કલાકારને જે માસથી ફેલોશીપ મંજુર કરવામાં આવે તે માસથી પુરા થતા નાણાકીય વર્ષ સુધીના સમય માટે ફેલોશીપની રકમ ચુકવવામાં આવશે. અને કલાકારની કામગીરી પ્રોત્સાહન જનક જણાય તો અકાદમીની સમિતિના નિર્ણયને આધારે આ ફેલોશીપ વધુમાં વધુ બે વર્ષ સુધી આપી શકાશે.
નેશનલ ફોટોગ્રાફી વર્કશોપ
દૈનિકપત્રમાં પેઈડ જાહેર ખબર આપીને રાજયના ૨૫ થી ૪૫ વર્ષના ફોટોગ્રાફી ક્ષેત્રમાં રસ ધરાવતા કલાકારો/ફોટોગ્રાફરો પાસે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાંથી પસંદગી પામેલ ૫૦ જેટલા ફોટોગ્રાફરોને ૭ થી ૧૦ દિવસ માટે રવિશંકર રાવળ કલા ભવન ખાતે છઠ્ઠા માળે આવેલ સંસ્કૃત્તિ હોલમાં એકત્રિત કરી દરરોજ જુદા-જુદા વિષય નિષ્ણાત ફોટોગ્રાફરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.
આ ૭ થી ૧૦ દિવસ દરમ્યાન ફોટોગ્રાફરોને સવારે તેમજ સાંજે જુદા-જુદા સ્થળે આઉટડોર ફોટોગ્રાફી માટે લઈ જવામાં આવે છે. આ શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓને શિબિરના સ્થળે આવવા-જવાનું ભાડુ, ઉપરાંત નિવાસ-ભોજનની વ્યવસ્થા અકાદમી દ્વારા કરવામાં આવે છે. આ વર્કશોપમાં ભાગ લીધેલ ફોટોગ્રાફરોને અકાદમી દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવે છે.
ડોક્યુમેન્ટેશન ઓફ આર્ટીસ્ટ
રાજયના રાષ્ટ્રિયસ્તરે નામના મેળવી ચુકેલા કલાકારોના જીવનકવન વિષયક ડોકયુમેન્ટેશન તૈયાર કરવા આ યોજના અમલી બનાવવામાં આવેલ છે.
આ અગાઉ લલિતકલા અકાદમી દ્વારા વર્ષ ૨૦૦૦-૨૦૦૧ થી વર્ષ ૨૦૧૦-૨૦૧૧ સુધીમાં ગૌરવપુરસ્કાર મેળવેલ તમામ કલાકારોના જીવનકવન વિષયક એક પુસ્તિકા પણ પ્રકાશિત કરવામાં આવેલ છે.
માન્યકલા સંસ્થાઓને આંતરકોલેજ પ્રદર્શન સહાય
ગુજરાત સરકારશ્રી ધ્વારા માન્યતાપ્રાપ્ત કલા સંસ્થાઓને આંતર કોલેજ પ્રદર્શન યોજવા rupee૧.૦૦ લાખની સહાય આપવાની યોજના અમલી છે. જે માટે આયોજન સદરે rupee૫.૦૦ લાખની જોગવાઇ કરવામાં આવેલ છે.
વિદેશમાં તથા રાજ્ય બહાર પ્રદર્શન યોજવા સહાય
મુળ ગુજરાતના કલાકારોને દ્રશ્યકલા જેવી કે ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફીકકલા અને છબીકલા જેવા લલિતકલાના ક્ષેત્રમાં વિદેશમાં તથા રાજ્યબહાર તેઓની કલાકૃત્તિઓના વ્યક્તિગત/સામૂહિક પ્રદર્શન યોજવા માટે રૂા.૧,૦૦,૦૦૦/- સુધીની સહાય આપવાની આ યોજના અમલમાં છે.
આ યોજનામાં દૈનિકપત્રમાં પેઈડ જાહેરાત આપીને કલાકારો પાસેથી દર વર્ષે ૧ એપ્રિલ થી ૧૫ મે સુધીમાં નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત જે કલાકારે અગાઉ ત્રણ થી પાંચ વનમેન ર્શો અથવા પાંચ થી આઠ ગ્રૃપ ર્શો યોજયા હોય તેવા કલાકારોને સહાય મળવાપાત્ર છે.
આવેલ અરજીઓને કલાકારની પસંદગી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવે છે અને ત્યારબાદ આ સમિતિ દ્વારા અરજીઓની ચકાસણી કરીને પાત્રતા ધરાવતા કલાકારોની અરજી સહાય માટે મંજુર કરવામાં આવે છે. કલાકારને તેની કારકિર્દી દરમ્યાન એક વાર વિદેશમાં તથા ત્રણ વાર રાજય બહાર પ્રદર્શન યોજવા સહાય મળવાપાત્ર થાય છે. કલાકારે સહાય મેળવી યોજેલ પ્રદર્શનમાં ઓછામાં ઓછી ત્રીસ કૃત્તિઓ પ્રદર્શિત કરવાની રહે છે. કલાકારે આ સહાય અન્વયે બે પ્રદર્શન યોજવાના રહે છે જે પૈકી પ્રિવ્યુ ર્શો રવિશંકર રાવળકલા ભવન ખાતે તથા બીજુ પ્રદર્શન અરજી કરેલ સ્થળે યોજવાનું રહે છે.
પ્રદર્શન પૂર્ણ થયેથી કલાકારે બ્રેકઅપ વાઇઝ ખર્ચ તૈયાર કરી તેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ઓડીટ કરાવી હિસાબો રજુ કર્યેથી સહાય ચુકવવામાં આવે છે.
વિદેશ પ્રદર્શન માટે પ્રદર્શન પેટે રૂા.૧,૦૦,૦૦૦/- ઉપરાંત વિમાન મુસાફરી ખર્ચ તથા વિઝા ફી ચુકવવામાં આવે છે.
રાજ્યમાં પ્રદર્શન સહાય
આ યોજના વર્ષ ૨૦૧૦-૧૧ થી શરૂ કરવામાં આવેલ છે.
મુળ ગુજરાતના કલાકારોને દ્રશ્યકલા જેવી કે ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફીકકલા અને છબીકલા જેવા લલિતકલાના ક્ષેત્રમાં રાજ્યમાં તેઓની કલાકૃત્તિઓના વ્યક્તિગત/સામૂહિક પ્રદર્શન યોજવા માટે રૂા.૨૫,૦૦૦/- સુધીની સહાય આપવાની આ યોજના અમલમાં છે.
મુળ ગુજરાતના કલાકારો કે જેમણે અગાઉ કલાવિષયક શિક્ષા મેળવેલ હોય અથવા અગાઉ એક વૈયક્તિક અથવા એક સામુહિક કલાપ્રદર્શન યોજયું હોય તેવા કલાકારોને રાજયમાં કોઇ પણ સ્થળે તેઓની કલાકૃત્તિઓનું પ્રદર્શન યોજવા સહાય આપવામાં આવે છે. આ યોજનામાં દૈનિકપત્રમાં પેઈડ જાહેરાત આપીને કલાકારો પાસેથી દર વર્ષે ૧ એપ્રિલ થી ૧૫ મે સુધીમાં નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
આવેલ અરજીઓને કલાકારની પસંદગી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવે છે અને ત્યારબાદ આ સમિતિ દ્વારા અરજીઓની ચકાસણી કરીને પાત્રતા ધરાવતા કલાકારોની અરજી સહાય માટે મંજુર કરવામાં આવે છે. કલાકારને તેની કારકિર્દી દરમ્યાન ત્રણ વાર રાજયમાં પ્રદર્શન યોજવા સહાય મળવાપાત્ર થાય છે. કલાકારે સહાય મેળવી યોજેલ પ્રદર્શનમાં ઓછામાં ઓછી ત્રીસ કૃત્તિઓ પ્રદર્શિત કરવાની રહે છે.
પ્રદર્શન પૂર્ણ થયેથી કલાકારે થયેલ ખર્ચના ઓરીજીનલ વાઉચર્સ/બીલો અકાદમીને રજુ કર્યેથી રૂા.૨૫,૦૦૦/- અથવા થયેલ ખર્ચ બેમાંથી જે રકમ ઓછી હોયતે રકમ સહાય તરીકે મંજુર કરી ચુકવવામાં આવે છે.
રાજ્યકલા પ્રદર્શન/સ્પર્ધા
ગુજરાતની કલાના જુદા જુદા વિભાગોમા કાર્યશીલ કલાકારોને પ્રોત્સાહન મળે તથા તેમનો ઉત્સાહ વધે અને તેમની કૃતિઓની કદર થાય તેમજ આમ જનતાની પણ આ વિષય પ્રત્યે રૂચી કેળવાય તેવા શુભ આશયથી આ રાજ્ય કક્ષાની કલા સ્પર્ધા/પ્રદર્શન સતત છેલ્લા ૫૯ વર્ષથી યોજવામાં આવે છે.
ગુજરાત રાજયના કલાકારો, કલા સંસ્થાના વિદ્યાર્થીઓ તથા શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ૧૦ના બાળકોને સાંકળીને લલિતકલા વિષયક જેવાકે પેઇન્ટીંગ, શિલ્પકલા, ગ્રાફીકકલા, એપ્લાઇડ આર્ટ તથા છબીકલાના વિષયો માટે દૈનિકપત્રમાં પેઈડ જાહેરાત આપીને કલાકારો તથા કલા સંસ્થાના વિદ્યાર્થીઓ પાસેથી બે-બે એન્ટ્રીઓ તથા શાળામાં ધોરણ ૧ થી ૫ તથા ધોરણ ૬ થી ૧૦ માં અભ્યાસ કરતા બાળકો પાસેથી શાળા મારફતે એક શાળાની ધો.૧ થી ૫ની વધુમાં વધુ ૧૪ એન્ટ્રીઓ તથા ધો.૬ થી ૧૦ની વધુમાં વધુ ૧૪ એન્ટ્રીઓ નિયત નમુનામાં મંગાવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
સ્પર્ધા માટે આવેલ કૃત્તિઓનું જે-તે ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા જજીંગ કરાવી ઇનામ વિજેતા કલાકારો, કલાસંસ્થાના વિદ્યાર્થીઓ તથા શાળાના બાળકોને કુલ રૂ.૨,૪૭,૫૦૦/-ના વિવિધ ૮૯ જેટલા ઇનામો આપવામાં આવે છે. જેમાં કલાકાર શ્રેણીમાં રૂ.૧,૭૪,૫૦૦/-ના વિવિધ ૨૩ ઇનામ, કલાસંસ્થાના વિદ્યાર્થીઓની શ્રેણીમાં રૂ.૪૮,૦૦૦/-ના ૧૬ ઇનામ તથા શાળાના બાળકોની શ્રેણીમાં રૂ.૨૫,૦૦૦/-ના ૫૦ ઇનામો આપવામાં આવે છે. આ ત્રણેય ક્ષેણીમાં કુલ ૮૯ ઈનામોમાંથી રૂ.૧,૭૦,૦૦૦/-ના ૭૫ ઈનામો ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા અને તથા રૂ. ૭૭,૫૦૦/-ના ૧૪ ઈનામો કલાકાર મહાનુભાવો દ્વારા આપવામા આવેલ દાનની રકમનાં વ્યાજમાંથી મળતી રકમમાંથી આપવામાં આવે છે. તથા ઈનામ વિજેતા થયેલ અને પસંદગી પામેલ કૃત્તિઓનું પ્રદર્શન રવિશંકર રાવળ કલા ભવન ખાતે આવેલ આર્ટ ગેલેરીમાં યોજવામાં આવે છે. ઇનામ વિજેતા કલાકારોને એક સમારંભ યોજી ઇનામ વિતરણ કરવામાં આવે છે અને તેમને પ્રમાણપત્ર આપવામાં આવે છે. તથા સ્પર્ધાની યાદગીરી રૂપે ઈનામ વિજેતા કલાકારોનું એક કેટલોગ પણ પ્રકાશિત કરવામાં આવે છે. રાજ્યકલા સ્પર્ધામાં કલાસંસ્થાના વિદ્યાર્થીઓની શ્રેણીમાં વિજેતા થયેલ કલાસંસ્થાના વિદ્યાર્થીઓને માસિક રૂ.૧૦૦૦/- લેખે શિષ્યવૃત્તિ આપવાની યોજના છે. આ શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને કોર્પસફંડના વ્યાજમાંથી ચુકવવામાં આવે છે.
કલાકાર સન્માન(ગૌરવ પુરસ્કાર)
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા લલિતકલાના ક્ષેત્રમાં જે કલાકારોએ ચિત્રકલા, શિલ્પકલા, તેમજ છબીકલાના ક્ષેત્રોમાં આજીવન યોગદાન આપેલ હોય, ઉચ્ચતમ સિધ્ધિઓ મેળવેલ હોય તેવા કુલ ૯(નવ) કલાકારોનું દર વર્ષે ગૌરવ પુરસ્કારથી સન્માન કરવામાં આવે છે. આ પુરસ્કાર વર્ષ ૧૯૬૪-૬૫ થી આપવામાં આવે છે. આ માટે દર વર્ષે દૈનિકપત્રમાં પેઈડ જાહેરાત આપીને કલાકારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ત્યારબાદ આ અરજીઓની સરકારશ્રી દ્વારા બનાવવામાં આવેલ કમિટી દ્વારા ચકાસણી કરવામાં આવે છે. અને તેમાંથી ચિત્રકલામાં ૩, શિલ્પકલામાં ૩ અને છબીકલામાં ૩ કલાકારોને ગૌરવ પુરસ્કાર આપવામાં આવે છે. જેમાં એક સમારંભ યોજી પુરસ્કારના પ્રતિક રૂપે પ્રત્યેક કલાકારને રોકડ રાશિ રૂ.૫૧૦૦૦/-, તામ્રપત્ર, પ્રશસ્તિપત્ર, તથા શાલ એનાયત કરી સન્માન કરવામાં આવે છે. આવા ૯(નવ) કલાકારોનું સન્માન કરવામાં આવે છે. સાથોસાથ પુરસ્કૃત કલાકારોની કલાકૃતિઓનું પ્રદર્શન પણ રવિશંકર રાવળ કલા ભવન અમદાવાદ ખાતે આવેલ આર્ટ ગેલેરીમાં પાંચથી સાત દિવસ માટે યોજવામાં આવે છે. અને ગૌરવ પુરસ્કૃત કલાકારોનું એક કેટલોગ પણ પ્રકાશિત કરવામાં આવે છે.
અકાદમી ધ્વારા વનમેન શો
ગુજરાતના નામાંકિત કલાકારો કે જેઓએ ગુજરાતમાં અને ગુજરાતની બહાર નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી હોય તેવા કલાકારોની કૃત્તિઓ આમ જનતા નિહાળી શકે તે માટે આવા કલાકારોની કલાકૃત્તિઓનું પ્રદર્શન પ્રતિવર્ષ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા યોજવામાં આવે છે. જેમાં પ્રતિવર્ષ કોઈ એક કલાકારે તેઓની આજીવન તૈયાર કરેલ ઉપલબ્ધ કલાકૃતિઓનું પ્રદર્શિન યોજવામાં આવે છે.
આ પ્રદર્શન રવિશંકર રાવળ કલાભવન ખાતે આવેલ આર્ટ ગેલેરીમાં પાંચથી સાત દિવસ માટે યોજવામાં આવે છે. આ પ્રદર્શનનું સમગ્ર આયોજન ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા હાથ ધરવામાં આવે છે. સાથોસાથ આ કલાકારની જીવન ઝરમર વિષયક સ્મરણિકા તૈયાર કરી લોકાભિમુખ કરવામાં આવે છે.
જિલ્લા કક્ષાએ ફરતા પ્રદર્શનો
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કલા સંસ્થાઓ, કલાકારો કાર્યરત છે. આ લોકોમાં લલિતકલાના વિષયો જેવાકે ચિત્રકલા, શિલ્પકલા, ગ્રાફીકકલા તેમજ છબીકલાને સાંકળીને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફરતા પ્રદર્શનની યોજના અંતર્ગત પ્રદર્શનો યોજવામાં આવે છે. આવું પ્રદર્શન પાંચથી સાત દિવસ માટે જિલ્લાઓમાં યોજવામાં આવે છે.
લલિતકલા અકાદમી દ્વારા તૈયાર કરાતા ઉચ્ચકક્ષાના આ કલાપ્રદર્શનો જિલ્લાઓમાં આવેલી કલા સંસ્થાઓમાં, શૈક્ષણિક સંસ્થાઓમાં કે અનુકુળ સ્થળે યોજવામાં આવે છે જેનાથી રાજ્યની કલાનો વ્યાપ અન્ય વિસ્તારોમાં પણ પ્રસાર કરી લોકાભિમુખ કરી શકાય છે. આ પ્રદર્શનોનું સંપુર્ણ આયોજન લલિતકલા અકાદમી દ્વારા કરવામાં આવે છે.
ચિત્ર શિક્ષક સેમિનાર
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પ્રતિ વર્ષ રાજ્યની શાળાઓનાં ચિત્ર શિક્ષકોનો એક સેમીનાર યોજવામાં આવે છે. જેમાં દૈનિકપત્રમાં પેઈડ જાહેરાત આપીને અથવા રાજ્યના જિલ્લાશિક્ષણ અધિકારીશ્રીઓ મારફતે તેમના જિલ્લામાં ચિત્રશિક્ષક તરીકે ફરજ બજાવતા ચિત્રશિક્ષકોના નામો મંગાવવામાં આવે છે. ૫૦ જેટલા શિક્ષકોનો સમાવેશ કરી કોઈ એક પ્રાકૃત્તિક સ્થળે સેમિનાર યોજાય છે. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ શિક્ષકોને ચિત્રકલાનું થિયરીકલ તેમજ પ્રેક્ટીકલ જ્ઞાન આપવામાં આવે છે. આ સેમિનારમાં શિક્ષકોને આવવા-જવાનું મુસાફરી ખર્ચ તથા સેમિનારના સ્થળે રહેવા-જમવાની સંપૂર્ણ વ્યવસ્થા લલિતકલા અકાદમી દ્વારા કરવામાં આવે છે. તેમજ શિક્ષકોને આર્ટ મટીરીયલ્સ લલિતકલા અકાદમી દ્વારા આપી તમામ શિક્ષકો પાસે ચિત્ર તૈયાર કરાવવામાં આવે છે. અને તેમને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
કલાનો વર્કશોપ
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા ગ્રાફિકકલા ક્ષેત્રે આધુનિક કલાકૃતિઓ તૈયાર કરવા તથા ગ્રાફિકકલા ક્ષેત્રમાં કામ કરતા કલાકારોને નવસર્જન કરવાની તક મળે અને આ કલાને મૃતઃપાય થતી અટકાવવા માટે રવિશંકર રાવળ કલાભવન ખાતે આવેલ ગ્રાફિક સ્ટુડીયોમાં પ્રતિવર્ષ એક ગ્રાફિક વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. અને તૈયાર થયેલ કૃત્તિઓનું પ્રદર્શન રવિશંકર રાવળકલા ભવન ખાતે આવેલ આર્ટગેલેરીમાં પાંચ થી સાત દિવસ માટે યોજવામાં આવે છે. આ વર્કશોપ માટે કલાકારોની પસંદગી માટે જે કલાકારને રાજયકલા સ્પર્ધામાં કલાકાર શ્રેણીમાં ગ્રાફિકકલા વિભાગમાં ઇનામ મળેલ હોય તેવા કલાકારોને આમંત્રણ આપવામાં આવે છે. ગ્રાફિકકલાના વિવિધ માધ્યમો જેવાકે વુડકટ, લીનોકટ, ઈચીંગ, લીથોગ્રાફી, શેરીગ્રાફી જેવા માધ્યમમાં પ્રતિ વર્ષ એક-એક માધ્યમમાં આ વર્કશોપ યોજવામાં આવે છે. અને ભાગ લીધેલ કલાકારોને પ્રમાણપત્ર આપવામાં આવે છે.
આ ઉપરાંત ગ્રાફિકકલા વર્કશોપ માટેની સાધન સામગ્રી જેવીકે વુડ, લીનો, લીથો વગેરે તેમજ કલાકારોને રહેવા-જમવાની સુવિધા, પ્રવાસ ખર્ચ, પુરસ્કાર(માનદ વેતન) જેવી સુવિધાઓ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પુરી પાડવામાં આવે છે.
પ્રકાશન સહાય
કલાકારો/કલાસંસ્થાઓ લલિતકલા વિષયક કલાપ્રકાશનો પ્રસિધ્ધ કરી શકે તથા લલિતકલા વિષયક પ્રકાશનોમાં વૃધ્ધિ થાય અને લોકોમાં કલાની જાણકારી મળે તે આશયથી ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આ યોજના અંતર્ગત પુસ્તક પ્રકાશન માટે સહાય આપવામાં આવે છે.
પ્રતિવર્ષ દૈનિકપત્રમાં પેઈડ જાહેરાત આપીને પુસ્તક પ્રકાશન માટે અરજીઓ મંગાવવામાં આવે છે. આવેલ અરજીઓમાંથી ૨(બે) કલાકારો/કલાસંસ્થાઓને લલિતકલા વિષયક પુસ્તકના પ્રકાશન માટે સહાય આપવામાં આવે છે.
અરજદારે નિયતનમુનામાં અરજી સાથે પ્રકાશનની ડમી, ડ્રોઈંગ, સ્કેચીજ, પેઈંન્ટિગના ફોટોગ્રાફ, લખાણ વગેરે રજુ કરવાનું હોય છે. અરજી મંજુર થયા બાદ પુસ્તકનું છાપકામ થયા બાદ પુસ્તકની ૧૦ કોપી તથા છાપકામના અસલ બિલો વગેરે અકાદમીને રજુ કરવાનું રહે છે. આ બિલો અને પુસ્તકની૧૦ કોપી રજુ કર્યા બાદ પુસ્તકના છાપકામ માટે થયેલ કુલ ખર્ચના ૫૦% અથવા વધુમાં વધુ રૂ।.૨૦,૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે રકમ સહાય તરીકે ચુકવવામાં આવે છે. તેમજ કલાકારે આ પુસ્તક ગુજરાત રાજય લલિતકલા અકાદમીની આર્થિક સહાયથી પ્રકાશિત કર્યાનો ઉલ્લેખ પુસ્તકમાં કરવાનો રહે છે.
આંતર કોલેજ પ્રદર્શન સહાય
રાજ્યમાં આવેલી કલા સંસ્થાઓમાં પેઇન્ટિંગ, ગ્રાફિક્સ, શિલ્પ, વ્યવહારીક કલા, ના અભ્યાસક્રમો ચલાવે છે. આ કલા સંસ્થાઓ યુનિવર્સીટી/ રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત કરેલ હોય છે. વર્ષ દરમિયાન આ કલા સંસ્થાઓના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ કલાકૃતિઓનું પ્રદર્શન તેમની કલાસંસ્થામાં જ આયોજન કરે છે. આ કલાકૃતિઓનું પ્રદર્શન રાજ્યમાં આવેલી અન્ય કલા સંસ્થાઓમાં તેમજ રવિશંકર રાવળ કલા ભવન - અમદાવાદ ખાતે યોજવા માટે આ યોજના છે. કુલ બે સ્થળે બે પ્રદર્શનો યોજવા રૂ।.૫૦,૦૦૦/- ની નાણાકિય સહાય આપવામાં આવે છે. આ પ્રદર્શનોના આયોજનથી કલાના શિક્ષણનું આદાન-પ્રદાન કરી શકાય, કલાની શૈલીઓ, માધ્યમો, ટેકનીકો, વિશિષ્ટતાઓ વિશેની જાણકારી કલા જગતને અને વિદ્યાર્થીઓને આપી શકાય છે. આ યોજના હેઠળ પાંચ સંસ્થાઓને નિયમાનુસાર સહાય કરવામાં આવે છે.
રેતિશિલ્પ મહોત્સવ
ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે જેની ત્રણ બાજુ દરિયાકિનારો છે. રેતિશિલ્પ તરફ લોકો જાગૃત થાય અને તેઓની રૂચિ વધે તે આશયને ધ્યાને લઈને ગુજરાતના વિવિધ દરિયાકિનારે રેતિશિલ્પ મહોત્સવનું આયોજન હાથ ધરવામાં આવે છે. આ યોજના વર્ષ ૨૦૧૭-૧૮ થી અમલી બનાવવામાં આવેલ છે. તથા વર્ષ દરમ્યાન વિવિધ સ્થળે ૪ જેટલા રેતિશિલ્પ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.
કલાચર્ચા/વાર્તાલાપ/સ્લાઈડ શો
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજ્યનાં નિવડેલા કલાકારો તેમજ આ ક્ષેત્રના નિષ્ણાતોની કલાને કલાનાં ચાહકો સુધી પહોંચાડવા માટે આવા કાર્યક્રમો યોજવામા આવે છે. વર્ષ દરમિયાન ૧૦ જેટલા કાર્યક્રમો રવિશંકર રાવળ કલા ભવન અમદાવાદ ખાતે યોજાય છે.
રવિશંકર રાવળ કલાભવન ખાતે કાયમી પ્રદર્શન
ગુજરાતના કલાકારોને સાંપ્રત કલાની જાણકારી મળી રહે અને આ કલા નિહાળી શકે એ આશયથી રવિશંકર રાવળ કલાભવન ખાતે આવેલ આર્ટ ગેલેરીમાં ત્રીજા માળે એક કાયમી પ્રદર્શન યોજવાનું વિચારાધીન હતું. આ હેતુને ધ્યાને લઈને રવિશંકર રાવળ કલાભવન ખાતે કાયમી પ્રદર્શન યોજવાની યોજના હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાતના નામાંકિત અને ગૌરવ પુરસ્કૃત કલાકારો તથા લલિતકલા અકાદમી પાસે જે નામાંકિત કલાકારોની કલાકૃત્તિઓ સંગ્રહાયેલ છે તેવા કલાકારોની કલાકૃત્તિઓનું પ્રદર્શન રવિશંકર રાવળ કલાભવન ખાતે ત્રીજા માળે આવેલ આર્ટ ગેલેરીમાં આ યોજના હેઠળ યોજવામાં આવે છે.
રવિશંકર રાવળ કલાભવન ખાતે આવેલ આર્ટ ગેલેરીઓ તથા સંસ્કૃત્તિ હોલની ફાળવણી
ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી રવિશંકર રાવળ કલાભવન અમદાવાદ ખાતે કાર્યરત છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળ, બીજા માળ અને ત્રીજા માળે આર્ટ ગેલેરીઓ આવેલ છે તથા છઠ્ઠા માળે સંસ્કૃત્તિ હોલ આવેલ છે. આ ગેલેરીઓ નિયત કરેલ ભાડાના દરે કલાકારોને તેમના લલિતકલા વિષયક કલાપ્રદર્શનો યોજવા માટે ફાળવવામાં આવે છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ૧ ગેલેરી તથા પ્રથમ માળે ૨, બીજા માળે ૨ અને ત્રીજા માળે ૨ ગેલેરીઓ મળીને કુલ ૭ ગેલેરીઓ કલાકારોને પ્રદર્શન યોજવા માટે ફાળવવામાં આવે છે.
આ ઉપરાંત ૬માળે આવેલ સંસ્કૃત્તિ હોલ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા વાતાનુકુલિત કરીને તૈયાર કરેલ છે. જેમાં ૧૦૦ સીટની ક્ષમતાવાળી અદ્યતન બેઠક વ્યવસ્થા ઉભી કરેલ છે. લોકો તેમના સાંસ્કૃત્તિક કાર્યક્રમો યોજી શકે તે માટે નિયત ભાડાથી આ સભાગ્રુહ ફાળવવામાં આવે છે.